પ્રેમ રાવત: હૃદયનો પરિચય
દરેક મનુષ્યમાં એવું શું છે, જે આપણને એક જ વસ્તુની ઝંખના કરવા પ્રેરે છે?
આપણે શોધીએ છીએ અને હંમેશાં શોધતા રહીશું, પણ આપણે શું શોધીએ છીએ? આપણે ઇચ્છીએ છીએ અને હંમેશાં ઇચ્છતા રહીશું, પણ આપણે શું ઇચ્છીએ છીએ? જ્યારથી મનુષ્ય પૃથ્વી પર છે, ત્યારથી પરિપૂર્ણતા પામવાની એ ઝંખના હંમેશાં રહી છે.
તમે જે પહેલેથી જ જાણો છો, તેનું તમને સ્મરણ કરાવવાથી વધુ સારો હૃદયનો પરિચય બીજો કોઈ નથી.
હું અહીં તમને કોઈ નવી માહિતી આપવા નથી આવ્યો, જેના પર તમે વાદવિવાદ કરી શકો કે તેનું મૂલ્યાંકન કરી શકો. આ વાત ધર્મ વિશે નથી. આ વાત આધ્યાત્મિકતા વિશે નથી. હકીકતમાં, દુનિયા પાસે આ માટે કોઈ ચોક્કસ નામ કે ઓળખ નથી.
તો, તમે શું જાણો છો? તમે જાણો છો કે સુખી હોવું એટલે શું — આ જીવનમાં તમને તેની કેટલી જરૂર છે. તમે જાણો છો કે તમને આનંદની કેટલી જરૂર છે. તમે જાણો છો કે તમારા માટે સંતોષ કેટલો મહત્વનો છે — કે તમને દુઃખ ગમતું નથી. આ સરળ નિયમો તમારા પોતાના છે, બીજા કોઈના નહીં.
સંતોષમાં રહેવું, આનંદમાં રહેવું, સુખમાં રહેવું.
કેવું સુખ?
એવું સુખ નહીં જે સર્જવામાં આવે, પણ એવું સુખ જે દરેક મનુષ્યના હૃદયમાં વસે છે. એવો આનંદ જે પહેલેથી જ છે — જેને બીજે ક્યાંયથી લાવવાની જરૂર નથી.
જાગૃત થવાની પ્રક્રિયા એ કંઈક સર્જવાની પ્રક્રિયા નથી. તમારે તેને સર્જવાની જરૂર નથી. જે પહેલેથી જ અસ્તિત્વમાં છે, તેના પ્રત્યે તમે જાગૃત થાઓ છો. પછી, તમારા હૃદયથી, પરિપૂર્ણતા પામવાની શક્યતા પ્રત્યે જાગૃત થાઓ. પછી, આ જીવનમાં, જાણો કે તમે પરિપૂર્ણતા પામી શકો છો. જાણો કે આ જીવનમાં તમે સંતોષમાં રહી શકો છો.